Sunday, January 15, 2012

અણદીઠા અજવાશ..


બે વેંતના કાગળને દીધો અજજબનો અવકાશ,

ગળે કરીને હાર દોરાનો દેખાડ્યું આકાશ.

વાદળ ને અડકીને જોને બહેક્યા મારા શ્વાસ!

ધન્ય થયું જીવતર,પામ્યો હું અણદીઠા અજવાશ!

-ગુરુદત્ત ઠક્કર.

Monday, December 19, 2011

ગઝલ: હોઈ શકે


આ કોરો કાગળ પણ એક આખી કવિતા હોઈ શકે

જો દોસ્ત તું મોકલનારનુ નામ જરા જોઈ શકે!


અજવાળા ક્યાંક ભૂત થઈ ભમતા હશે અંદર હવે,

બાકી મીચેલી આંખ આ સ્વપ્ન શાને ખોઈ શકે?


આ જીવતરના મરમ એ ચોકકસ સમજ્યો હશે,

જે આમ રડતાં રડતાં હસે,ને હસતાં હસતાં રોઈ શકે!


આ મૃગજળ ને માની જળ, જો લે હાથમાં હળ,

તો શુષ્ક રણ વચાળેય તું લીલા આંબા બોઇ શકે!


થનગનું છું ચુંટાઇ જવા રાતભર નાહી ઝાંકળથી,

તવ ચરણ-અર્ધ્યે પૂજારી, શાયદ મને નાં ધોઈ શકે।


આ કોરો કાગળ પણ એક આખી કવિતા હોઈ શકે!

જો દોસ્ત તું મોકલનારનુ નામ જરા જોઈ શકે!


-ગુરુદત્ત ઠક્કર

Friday, October 28, 2011

હર ક્ષણ .



તિથી ને ચોઘડિયાના તૂટ્યા સઘળા વહેમ
હર ઘડી શુભ યોગ, હર ક્ષણ બસ પ્રેમ!
-ગુરુદત્ત ઠક્કર.

Wednesday, October 05, 2011

સમજાય નહી!(ગઝલ)

જાતે ખરી જા ડાળથી હવે ઓ પીળુંડા પાન તું,
છેલ્લું પાન ખરતાં લગી કંઈ પાનખર રોકાય નહી!


ક્યાંક આઘો જઈને ધખ આ રણથી ઓ સૂરજ જરા,

આ ઝાંઝવાનાં જળ થકી કંઈ વાદળા બંધાય નહી!


વાદળ ને કહો કે વિસરે હવે ડગર આ નગર તણી-

પાકી છત ને છત્રી તળે કોઈ હવે ભીંજાય નહી!


પારા જેવી હરકતો આ ફલક પર ઝાકળ કરે,

રખે મરકતાં ફૂલની આંખો ભીની દેખાય નહી!


પૂરતાં શબ્દકોષ છે ને કેટલીય ભાષાનાં ચલણ,

આખર સુધી અક્ષર અઢીના મરમ તો’ય સમજાય નહી!


-ગુરુદત્ત ઠક્કર.

Saturday, September 03, 2011

ગજ્જબનો સંબંધ!



એક નજર અડકી જાય છે,બે બોલ તોડી જાય છે,



ચોતરફથી મજબૂત છાતીમાં ભલે અકબંધ છે!




ખૂનની નદીઓ વહે છે ત્યાં રાતદિન ને સતત,



તહોય નજાકતથી આ દિલને ગજ્જબનો સંબંધ છે!

-ગુરુદત્ત ઠક્કર।

Monday, August 08, 2011

ગઝલ વિસ્તરે...

મૃગજળ ભરેલ રેતીના અહીં કણ વિસ્તરે


તરસ છીપે નહી, અંદર કોઈ રણ વિસ્તરે.



ઘડી બે ઘડી મિલન પછી વિયોગોનો યુગ,


રૂધિરવાહિની ને રસ્તે થઈ હરણ વિસ્તરે.


પગરવ પગરવ કેડી કેડી પગદંડી થઈ,


વટેમાર્ગુમાં કો’ હરીયાળી ક્ષણ વિસ્તરે.



દ્રશ્યોને ઝાંખપ લાગે ઢળતાં સૂરજની,


સ્વપ્ન ખોલતાં પાંખ જ્યહિ પાંપણ વિસ્તરે.



આવે માટીની સોડમ લઈ ભીના સંદેશા,


દૂરદેશ નું પોતીકું સ્મરણ વિસ્તરે!



મૃગજળ ભરેલ રેતીના અહીં કણ વિસ્તરે


તરસ છીપે નહી, અંદર કોઈ રણ વિસ્તરે!
-ગુરુદત્ત ઠક્કર.

Friday, August 05, 2011



પલક ઢળે પણ આંખ સુવે નહી;



હાથ હારે પણ પાંખ સુવે નહી.




આ અંતરના ધ્રુવપ્રદેશે,



સાંજ ઢળે પણ રાત સુવે નહી!




-ગુરુદત્ત ઠક્કર.

Friday, July 29, 2011

કાર્ડીયોગ્રામ...



કેટલાં ઉતાર-ચઢાવો સંવેદનોનાં હ્રદયમાં



..........આ કાર્ડીયોગ્રામ બતાવે છે....



આયખું ખૂટે તહી મળે છે સીધો સપાટ રસ્તો



...........આ કાર્ડીયોગ્રામ બતાવે છે....


-ગુરુદત્ત ઠક્કર.

શ્વેત......



કાળી સડકોથી ફંટઇને કંડારી કેડી એક શ્વેત


કોરા કાગળમાં હવે લ્યો, ઉકેલો અક્ષ્રર પણ શ્વેત


રક્ત રંજીત હૈયે વહેતા રુધિર તણાં આ રંગો શ્વેત


સતરંગી શબ્દો ઓળંગી ઓઢ્યાં મૌન આકાશો શ્વેત..



Tuesday, June 28, 2011

Fwd: shradhdhaanjali.....



---------- Forwarded message ----------
From: Dr. JAGDIP NANAVATI <dr_jknanavati@yahoo.co.in>
Date: 2011/6/27
Subject: shradhdhaanjali.....
To: GURUDATT THAKKAR <gurudattthakkar@gmail.com>


ભાઈ શ્રી ગુરુદત્ત,
અચાનક પિતાશ્રીના અવસાનના સમાચાર જાણી
ખરેખર આઘાત લાગ્યો....આપનો એસ. એમ. એસ.
મળ્યો ત્યારે તેઓ જેના શરણમાં ગયા, તેના જ ધામ
શ્રીનાથજીમાં હું હતો....આજે જ સવારે પાછો આવ્યો..
રૂબરૂ આવી શક્યો નહીં તો દરગુજર કરશો....વળતા રાતે
બસમાં ઉઠેલી તેમના પ્રત્યેની એક લાગણી અહી શબ્દાંજલિ રૂપે
મોકલું છું...તેમનું કાર્ય બધા મળીને આગળ ધપાવીએ
એજ તેમને સાચી શ્રધ્ધાંજલિ.....
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે...
અને આપ સહુ કુટુંબીજનોને આ કારમો ઘા સહન
કરવાની શક્તિ અર્પે...
અસ્તુ...
ડો. નાણાવટી


આંસુઓનું હોય છે કેવું વજન
જાણજો, જ્યારે ગુમાવો એક સ્વજન

લાગણી ઉમટી પડી દિપાવવા
જે પ્રસંગે એક પણ નહોતું ઈજન

પાક હાથે, પુણ્યની પકડી કલમ
હર ગઝલ કે ગીત, જાણે કે ભજન

કેટલી ભાષા ભમીને ભોમિયો
મૌનની લાં..બી મઝલ કાપે સુજન

કર્મ એનુ પ્રજ્વલિત રાખો સદા
એજ સાચી અર્ચના, ને છે પૂજન


DO VISIT MY SITE FOR ENJOYING MY CREATIONS...AND DO OPINE... 
and to listen to my songs click on a direct
 
thanks.........

Wednesday, March 09, 2011

ફાગણીયો ..


વાસંતી વાયરાના વિસરાતા સૂર


તોય ફૂલ બધા એનાજ નશામાં ચૂર।


જોને આંગણામાં કેસૂડાના ફૂટ્યાં અંકુર!


સખી! ફાગણીયો ખાસ નથી હવે દૂર!


-ગુરુદત્ત ઠક્કર.




Wednesday, February 16, 2011

નગરમા વસંત..

ઋતુઓ થી સૌ રાહ જુએ છે, તુ આવી છે આખર,

લીલપ ને સુગંધોથી સઘળું કરી દે તરબતર!


બસ છોડ ભટકવું અહી ને ત્યાં તુ આમ હવે દર દર,

થા ઠરીઠામ, હે વસંત!અહીયાં બાંધ કાયમી ઘર!


લે સોપ્યાં સૌ ઉપવન ને લ્યે સોંપ્યું આખું નગર!

નિખાર આંગણ સઘળાં, ને હા! તું ય અહી નિખર!


કાયમનો કરાર કર ને નીચે લીલા હસ્તાક્ષર!

પીળું પડે નહી પાંદડું એકે, કનડે નહિ પાનખર.


રે! હુંય અંધ સ્વારથનો-પહોચ્યો તરંગના આ કયે સ્તર?

એમ ઋતુ રોકાય ના ક્યાયે, હવા ન બાંધે ઘર!


ચાલ માંગુ હરિથી, નીખરે-વિકસે મારુ નગર,

પ્રગતિ એની કોઈ ન રોકે, ઋતુ થી હો એ પર!


-ગુરુદત્ત ઠક્કર.

Sunday, February 13, 2011

વાસંતી ..



બોલાવે જો તુ વાસંતી રણકાર કરીને


આવી ગયો લે શબનમ ના શણગાર ધરીને!




લે બીછાવી ફોરમ બધે તારા આંગણ ને સૌ દ્વાર ભરીને,


ખરીશ તો’યે મહેકીશ બદન પર -અત્તરથી એકાકાર કરીને!


-ગુરુદત્ત ઠક્કર.


Saturday, January 22, 2011

તારા રૂપ!


ઊનાળે તુ છાયડી મીઠી,
શિયાળે કૂમળી ધૂપ!
ભીંજવે ચોમાસે ઝરમરથી,
જૂજવા તારા રૂપ!

-ગુરુદત્ત ઠક્કર.

Tuesday, January 11, 2011

મૃગજળ-એ તો..



ભીની રેત ને રણ કરી તે સૂરજ ના કરતૂત,
મૃગજળ-એ તો સુકાયેલ દરિયા કેરુ ભૂત!


-ગુરુદત્ત ઠક્કર.