Monday, December 19, 2011

ગઝલ: હોઈ શકે


આ કોરો કાગળ પણ એક આખી કવિતા હોઈ શકે

જો દોસ્ત તું મોકલનારનુ નામ જરા જોઈ શકે!


અજવાળા ક્યાંક ભૂત થઈ ભમતા હશે અંદર હવે,

બાકી મીચેલી આંખ આ સ્વપ્ન શાને ખોઈ શકે?


આ જીવતરના મરમ એ ચોકકસ સમજ્યો હશે,

જે આમ રડતાં રડતાં હસે,ને હસતાં હસતાં રોઈ શકે!


આ મૃગજળ ને માની જળ, જો લે હાથમાં હળ,

તો શુષ્ક રણ વચાળેય તું લીલા આંબા બોઇ શકે!


થનગનું છું ચુંટાઇ જવા રાતભર નાહી ઝાંકળથી,

તવ ચરણ-અર્ધ્યે પૂજારી, શાયદ મને નાં ધોઈ શકે।


આ કોરો કાગળ પણ એક આખી કવિતા હોઈ શકે!

જો દોસ્ત તું મોકલનારનુ નામ જરા જોઈ શકે!


-ગુરુદત્ત ઠક્કર

0 comments: